વારંવાર સર્જાવાની આવી પરિસ્થિતિઓ ટાળવા તમે શું કરો?

સન્ડે મોર્નિંગ - સૌરભ શાહ
આ દુનિયા કંઈ તમારા બાપની નથી કે બધે જ તમારું ધાર્યું થાય અને બધે જ તમને મનગમતા માણસો જ મળે. તમારી અણગમતી પરિસ્થિતિઓ પણ જીવનમાં સર્જાવાની. વારંવાર સર્જાવાની આવી પરિસ્થિતિઓ ટાળવા તમે શું કરો?
હમણાં ગયા અઠવાડિયાના જ રવિવારની સવારે એક સુંદર સભાનું આયોજન થયું હતું. છેક એકવીસ વર્ષથી ફરીથી હું એ સંસ્થામાં ગયો હતો અને બધા જ ખૂબ આતુર હતા. સવા બે કલાક સુધી મનભરીને સૌએ મને સાંભળ્યો. આભારવિધિ પૂરી થયા પછી કોઈએ બોલવાનું ન હોય, પણ એક મંચસ્થ મહાનુભાવે આઉટ ઑફ ટર્ન જઈને માઈક પર મને સંબોધતાં કહ્યું: ‘તમે સારું બોલો છો એ પણ નેકસ્ટ ટાઈમ લોકોને ઉપયોગી થાય એવું, લોકો પોતાના જીવનમાં ઉતારી શકે એવું કંઈક બોલો અને લખો તો વધારે સારું.’ કાપો તોય લોહી ના નીકળે એવી મારી હાલત થઈ ગઈ. સવાબે કલાક સુધી વિવિધ ટૉપિક્સ લઈને હું એવું જ તો બોલ્યો હતો અને હૉલમાં એકઠી થયેલી હકડેઠઠ મેદની જે એકાગ્રતાથી સાંભળતી હતી અને વચ્ચે વચ્ચે રિસ્પોન્સ આપતી હતી તે જોતાં લાગતું હતું કે બધાને ખૂબ જ સંતોષ થઈ રહ્યો છે, પણ આ મહાનુભાવને કદાચ એમાંના બે ટૉપિક નહીં ગમ્યા હોય: એક, મોદી પાસેથી શીખવા જેવી દસ વાતો, અને બે, ડઝનબંધ પાદરીવાળાઓના પરાક્રમોને છુપાવીને માત્ર હિંદુ ધર્મગુરુનાં જ કાળાં કામોનો પ્રચાર કરતા મીડિયાની વાતો. અને એ રોષમાં એમણે મારી આખીય મહેનત પર પાણી ફરી જાય એમ કહી દીધું કે લોકોને ઉપયોગમાં આવે, તેઓ જેનો અમલ કરી શકે એવું કંઈક કહો. આવા વખતે મારે શું કરવું? ચૂપચાપ અપમાન ગળી જવું કે પછી સામે એમનું અપમાન થાય એવાં વેણ ઉચ્ચારવાં? આ બેઉમાં નુકસાન તો તમારું જ છે. મેં શું કર્યું એ તમને કહું. થોડાક જ શબ્દોમાં મેં કહ્યું: મારી કૉલમમાં અને મારા બ્લૉગ પર પાણીપૂરી બનાવવાની રેસિપી મેં મૂકી છે!
આખું ઑડિયન્સ ખડખડાટ હસી પડ્યું. કેટલીય સેક્ધડ્સ સુધી હૉલ ગાજતો રહ્યો. પેલા મહાનુભાવનું મોઢું કાળું ધબ્બ થઈ ગયું. કાર્યક્રમ પૂરો થયો. મંચ પરથી ઊતરતા મને કહે કે, ‘લેટ્સ મીટ સમ ઈવનિંગ ફૉર અ ડ્રિન્ક’. હવે વારો મારો હતો. જાહેરમાં અપમાન કર્યા બાદ ખાનગીમાં દોસ્તીનો હાથ લંબાવનારને કોઈ દિવસ માફ ન કરાય. બદતમીજી જો જાહેરમાં કરી હોય તો માફી પણ જાહેરમાં જ માગવાની હોય, જે લોકોની હાજરીમાં તમને ઉતારી પાડવાની કોશિશ કરવામાં આવી હોય એ જ લોકો આગળ એ જો કાન પકડીને પોતાની ભૂલ કબૂલ કરે તો જ માફી બક્ષી શકાય, અન્યથા નહીં.
એમનું ઈન્વિટેશન ઠુકરાવતાં મેં કહ્યું: ‘આઈ ડોન્ટ ડ્રિન્ક વિથ સ્ટ્રેન્જર્સ’ મારા માટે એ અજાણ્યા જ હતા. હું એમને અગાઉ ક્યારેય નહોતો મળ્યો. એમણે મારો જવાબ સાંભળ્યો પણ હજુય પ્રયત્ન ચાલુ રહે એ માટે એમણે કહ્યું: ‘શું કહ્યું તમે?’ હું બોલ્યો, ‘મેં એમ કહ્યું કે હું મારા મિત્રોમાંથી પણ માત્ર સિલેક્ટેડ ફ્રેન્ડ્ઝ જોડે જ પીવા બેસું છું અને યુ આર નોટ માય ફ્રેન્ડ.’
નેગેટિવ માણસોથી બચવું, એમને ટેકલ કરવા, એમની વાતોથી તમારું માનસિક વાતાવરણ ખોરવાઈ ન જાય તે જોવું જરૂરી છે.
કેટલાક લોકો તમારી પ્રવૃત્તિમાં વિઘ્ન ઊભું કરવા માટે સતત તમારી ટીકા કરતા રહેવાના. તમારી સરખામણી તમારા કરતાં તદ્દન વામણા લોકો સાથે કરીને તમારા ઈગોને હર્ટ કરવાના. રાહુલ ગાંધીની કોઈ ઔકાત છે કે નરેન્દ્ર મોદી સાથે એક શ્ર્વાસે એનું નામ લેવાય? પણ મોદી વિરોધી મીડિયાએ જાણે એ બેઉ એકબીજાની બરોબરી કરતા હોય એમ મોદી વર્સીસ રાહુલનો એવો પ્રચાર કર્યો છે કે આપણને એ બેઉ બળિયાઓ એકબીજાના હરીફ લાગે. મોદી સાથે રાહુલની સરખામણી કરવી એટલે ઉસેન બોલ્ટની સરખામણી દોડીને વિરાર ફાસ્ટ પકડતા મુંબઈગરા સાથે કરવી. ‘શોલે’માં ‘યે સુસાઈટ કયા હોતા હૈ’વાળો ડાયલોગ બોલનાર એક્સ્ટ્રાની સરખામણી મહાન બચ્ચનજી સાથે કરવી.
તમારા ટીકાકારો પાસે તમને ઉતારી પાડવા માટેનાં બધાં શસ્ત્રો બુઠ્ઠાં થઈ જાય ત્યારે તેઓ રાજા ભોજની સરખામણી ગંગુ તેલી સાથે કરતા હોય એ રીતે ગંગોત્રીનાં જળની સરખામણી વરલીની ગટર સાથે કરતાં થઈ જાય છે.
આવા ડિટ્રેક્ટર્સને તમારે સિરિયસલી લેવાના ન હોય. ભગવાન બુદ્ધના કાનમાં સળી નાખીને એમનો તપોભંગ કરવાની કોશિશ કરનારાનાં કેટલાં પૂતળાં તમે જોયાં? ભવિષ્યમાં તમારી સળી કરનારાઓ પણ આ જ રીતે ભૂંસાઈ જવાના છે એવો ભરોસો રાખીને કામ કરતાં રહેવું.
------------------------
કાગળ પરના દીવા
જે લોકો મારી પાસે આવીને બીજાઓનું વાટતા હોય છે એમના પર હું મુદ્દલેય ભરોસો ના મૂકું. એ લોકો બીજે જઈને મારા વિશે ભરડવાના હોય છે.
--------------------------
સન્ડે હ્યુમર
કૉન્ગ્રેસીઓ છેલ્લાં વીસ વરસથી એ સાબિત કરવા માટે પસીનો પાડી રહ્યા છે કે સોનિયા ગાંધી ઈન્ડિયન છે.
અને અહીં રાહુલ ગાંધી પરદેશ જઈને બધાને કહી આવે છે કે ગાંધી, નહેરુ નોનરેસિડન્ટ ઈન્ડિયન હતા.

No comments:

Post a Comment